Khergam updates: ઉતાર ફળિયા વાડ પ્રાથમિક શાળામાં કેશ ગૂંથણ અને મહેંદી સ્પર્ધા યોજાઈ.
ખેરગામ, તા. 8 ઓગસ્ટ, 2026: ખેરગામ તાલુકાની ઉતાર ફળિયા વાડ પ્રાથમિક શાળા ખાતે તા. 8 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તે હેતુથી કેશ ગૂંથણ અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8ની દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દીકરીઓએ પોતાની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર દીકરીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ અંગે શાળાના આચાર્યશ્રી વિજયકુમાર પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શાળામાં યોજાતી આવી રચનાત્મક અને કૌશલ્યવર્ધક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટેનું મંચ પૂરું પાડે છે. આવી પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને તેમની સર્જનાત્મક શક્તિઓને નવી દિશા મળશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો.



