આછવણી ગામે હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી.
ખેડૂતો સાથે ખાટલા પર બેસી કર્યો સીધો સંવાદ • ગૌ દુગ્ધ દોહન કરી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું
નવસારી, તા. 19: નવસારી જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રવાસના બીજા દિવસે ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલ હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા તરીકે જાણીતા રાજ્યપાલશ્રીએ ફાર્મની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી હતી.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ જાતે ગૌ દુગ્ધ દોહન કર્યું હતું તેમજ ઘાસચારો કાપીને ગાયોને અર્પણ કર્યો હતો. તેમણે પશુપાલન અને પૌષ્ટિક પશુ આહારના મહત્વ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ ગુલાબભાઈ પટેલ દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અને પાકના મૂલ્યવર્ધન અંગે માહિતી મેળવી હતી. તેમણે ફાર્મમાં પામઓઈલની ખેતી પદ્ધતિનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.
ખેતરની વચ્ચે કુદરતી વાતાવરણમાં ખાટલા પર બેસી રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીથી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે, જેના કારણે જમીન વધુ ફળદ્રુપ બને છે અને ઉત્પાદનની ગુણવત્તામાં વધારો થાય છે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના પાંચ મહત્વપૂર્ણ આયામો – જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્રપાક – અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શિક્ષિત યુવાનો અને સમાજના વધુમાં વધુ લોકોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ સ્વસ્થ જીવન અને સમૃદ્ધ ભવિષ્યનો માર્ગ છે. સંજીવની સમાન પ્રાકૃતિક ખેતી દેશને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક શ્રી એન.જી. ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અતુલ ગજેરા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સતિષ ઢીમ્મર, કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







