માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે પ્રતિભા પર્વ–2026 અને પારિતોષિક સમારોહ યોજાયો.
ઉચ્છલ તાલુકાની માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે 13મો વાર્ષિકોત્સવ, ‘પ્રતિભા પર્વ–2026’ અને પારિતોષિક વિતરણ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે કોલેજનું અંતિમ વર્ષ જીવનનું મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ છે અને આ સમયગાળો ભવિષ્યની દિશા નક્કી કરવામાં સહાયક બને છે. તેમણે કૌશલ્ય વિકાસ, મેરિટ આધારિત અભ્યાસ અને સ્પર્ધાત્મક યુગમાં સતત મહેનતના મહત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે સરકારની વિદ્યાર્થીહિત યોજનાઓનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરવાની અપીલ કરી હતી અને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે લક્ષ્ય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કલ્યાણી આર. ભટ્ટના નિવૃત્તિ નિમિત્તે તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક તેમજ સહ-પાઠ્યક્રમિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. સમારોહમાં જાલમસિંહ વસાવા, સુરજભાઈ વસવા સહિત આગેવાનો, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ઉચ્છલ તાલુકા તથા તાપી જિલ્લો માટે પ્રેરણાદાયી રહ્યો હતો.




