વિશ્વના વિજ્ઞાનીઓ ટીવીની કેથોડ રે ટ્યુબનો શોધક : કાર્લ બ્રાઉન
એલસીડી સ્ક્રીનની શોધ નહોતી થઈ ત્યારે ટીવી અને કમ્પ્યુટરના મોનિટરમાં મોટા કદની ટ્યુબનો ઉપયોગ થતો હતો. મજબૂત કાચની બનેલી ટ્યુબમાં એક તરફ સ્ક્રીન હોય છે. આજે પણ ઘણા લોકો આ મોનિટરનો ઉપયોગ કરતા જોવા મળે છે તેને કેથોડ રે ટ્યુબ કહે છે.
કેથોડ રે ટ્યુબમાં સ્ક્રીનના આંતરિક સ્તરમાં ફોસ્ફેટના રજકણોનું પડ હોય છે તેની ઉપર રેગનમાંથી ત્રણ રંગો પ્રકાશ પડે અને ચિત્ર બને છે. કેથોડ રે ટ્યુબની શોધ કાર્લ બ્રાઉને કરી હતી. ટી.વી.માં તેનો વ્યાપક ઉપયોગ થતો. આ ઉપયોગી શોધ બદલ તેને ૧૯૦૯માં માર્કોની સાથે ફિઝિક્સનું નોબેલ મળેલું.
કાર્લ ફર્ડિનાન્ડ બ્રાઉનનો જન્મ ઇ.સ. ૧૮૫૦ના જૂનની છ તારીખે જર્મનીમાં થયો હતો. માર્ગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી તેણે બર્લિન યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં પીએચડીની ડિગ્રી લીધી હતી. ઇ.સ. ૧૮૯૫માં તે સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયેલો ઈ.સ. ૧૮૯૭માં તેણે કેથોડ રે ટ્યુબની શોધ કરી. આ ઉપરાંત તેણે વાયરલેસ ક્ષેત્રે અન્ય શોધો પણ કરેલી. પ્રથમ વિશ્વયુદ્ધમાં તે અમેરિકા ગયો. ન્યૂયોર્કમાં જર્મન વાયરલેસ સ્ટેશનમાં તે ફરજ પર હતો. ઇ.સ. ૧૯૧૮ના એપ્રિલની ૨૦ તારીખે અમેરિકામાં જ તેનું અવસાન થયેલું.