ગણદેવી બી.આર.સી.ભવન દ્વારા તાલુકાના દિવ્યાંગ બાળકો માટે ગરબાનું આયોજન કરાયું.
ગણદેવી બી.આર.સી.ભવન દ્વારા તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે એક દિવસીય ગરબાનું આયોજન અનાવિલ વાડી ગણદેવી મુકામે કરવામાં આવ્યું. દિવ્યાંગ બાળકોને પણ સામાન્ય બાળકની જેમ સામાન્ય પ્રવાહમાં લાવવા માટેનો એક પ્રશંસનીય પ્રયાસ ગણી શકાય. સામાન્ય બાળકો પોતાના વિદ્યાર્થી તરીકેનાં હકો પ્રાપ્ત કરે છે, તેટલાં દિવ્યાંગ બાળકો પણ હકદાર છે. જેની પ્રતીતિ આ આયોજન દ્વારા બીઆરસી કો-ઓ શ્રી સોનલબેને કરાવી છે. દિવ્યાંગ બાળકો કુદરતની બેનમૂન ભેટ ગણી તેમની વિશેષ કાળજી રાખવી સમાજના સૌની નૈતિક ફરજ છે.
ગરબા ગ્રાઉન્ડ પર બાળકોના મુખ પર એક અનેરો ઉત્સાહ અને તરવરાટ વર્તાતો હતો. તેમનાં આનંદને વર્ણવવા કદાચ આપણી પાસે શબ્દો ઓછા પડે ! આ આયોજન માટે સમગ્ર બી.આર.સી સ્ટાફની અનોખી પહેલને સૌએ આવકારી બીઆરસી કો-ઓ શ્રી સોનલબેનને ઉપસ્થિત સૌએ અભિનંદન પાઠવ્યા હતા.