કોલંબિયા આમ તો બહુ સુંદર દેશ છે. પણ વધારે કુખ્યાત એના ડ્રગ માફિયાઓના લીધે છે. ગયા વર્ષે દુબઈ એક્સપોની મુલાકાતમાં એના પેવેલીયનમાં રજૂ થયેલી ટુરિઝમ ફિલ્મો બહુ ગમેલી. જેમાં એ લોકોએ પોતાના બાકીની દુનિયાને થોડા વિચિત્ર કે ગેબી લાગતા આદિવાસી મૂળિયાંઓ આધુનિક નગરસંસ્કૃતિમાં કેવી રીતે સાચવી રાખ્યા છે, એની વાતો કરેલી. દાદા દાદીઓની વાર્તાઓ કે જેમાં પૂર્વજો આકાશના તારા બનીને આપણને નિહાળતા હોય. ડેનિમ શોર્ટ્સ અને લો નેક ટીશર્ટ પહેરેલી કન્યાઓ પણ હોંશ અને વિસ્મયથી પોતાના વારસામાં રસ લેતી હોય અને વારસો પણ એને વળી નવા પરિવર્તનોથી રોકતો ના હોય !
એની વે, આ વાત એટલે યાદ આવી કે ગ્લોબલ સમાચાર ચમક્યા. 1 મેના રોજ કોલંબિયામાં રહેલા અને આમ તો આખા દક્ષિણ અમેરિકામાં પથરાયેલા દુનિયાના સૌથી ખતરનાક મનાતા એમેઝોનના ગાઢ વર્ષાવનોમાં એક નાનું પ્રાઇવેટ પ્લેન તૂટી પડ્યું. જેમાં પાયલોટ તરીકે રહેલી બાળકોની મા (અને સંભવત પિતા) અને અન્ય એક સાથી તત્કાળ ક્રેશમાં જ ગુજરી ગયા. પણ બચી ગયા ચાર નાનકડા બાળકો સૌથી મોટી બહેન 13 વર્ષની અને એનો ભાઈ 9 વર્ષનો એ સમજણા. બાકીના બચ્ચાં તો 4 વર્ષ અને નાનું તો 9 મહિનાનું.... યાને એક તો જાણે ધાવણું શિશુ જ સમજી લો.
આસપાસ કોઈ માનવ વસ્તીની સૂર્યનો પ્રકાશ પણ માંડ પહોંચે એવું ગાઢ જંગલ. જેમાં ખૂંખાર એનાકોન્ડા જેવા અનેક જોખમી કહી શકાય એવા જાનવરો. ખાવાપીવાની બીજી કોઈ સુવિધા કે કોઈ મોટેરા નું માર્ગદર્શન પણ નહીં. અને ચાર માતા ગુમાવી ચૂકેલા નાનકડા નોંધારા બાળકો પોતાના હાલ પર !
નેચરલી ,બચવાની આશા સાવ ઓછી હોય પણ આ બાળકો મૂળ એક આદિવાસી જાતિ સાથે સંકળાયેલા અને કોલંબિયા ના રાષ્ટ્રપતિ પેટ્રોએ હમણાં જ આંતરવિગ્રહમાં સમાધાન કરેલું હોઇને આ શોધખોળમાં અંગત રસ લીધો. નાગરિકો સાથે આર્મી પણ જોડાઈ. સૈનિકો જ્યારે જંગલ ખૂંદતા હતા, ત્યારે એમને બાળકો જંગલમાં હોવાના કેટલાક પુરાવા મળ્યા. જેમ કે દૂધની ખાલી બોટલ, પગલાની છાપ, એવા ફળો કે જે માણસના દાંત ખૂંપેલા હોય...પણ બાળકોનો અતોપતો ના મળતા ધીરે ધીરે બધા હતાશ થઈ ગયા.
પણ 40 દિવસ પછી ઈતિહાસ કાયમ માટે યાદ રાખશે એવો ચમત્કાર થયો અને તેમને ચારેચાર બાળકો જીવતા મળી આવ્યા ! એવા જંગલમાં જ્યા ધોળે દિવસે કોઈ પુખ્ત વયના શિકારીની પણ બચવાની ગેરંટી નહિ ! દૂબળાં પડી થોડા આદિમાનવ જેવા દેખાવા લાગેલા આ બાળકોએ રચેલી "સાહસિકોની સૃષ્ટિ" ( જુલે વર્ન સાંભળો છો ? )ની આગેવાની સૌથી મોટી 13 વર્ષની બહેન લેસ્લીએ લીધેલી. એ એની મૂળ ગ્રામીણ દાદી પાસે રમતી ત્યારે દાદી પાસેથી જંગલમાં ક્યા ક્યા ફળો ખાવા ને રિબીનથી દોરડું કેમ બનાવવું, માછલી કેમ પકડવી બધું શીખેલી. એણે તૂટેલા પ્લેનનો કાટમાળ ફંફોસી લોટ શોધ્યો. નાના ભાઈની મદદથી કામચલાઉ રહેઠાણ ઊભું કર્યું રાતવાસા પૂરતું. લોટ ખૂટી જતા ફળો ને પાન ખાવાનું શરૂ કર્યું. મળે ત્યારે એના પર બાઝેલા પાણીના ટીપાં અને જંગલમાં વહેતા ઝરા અને ધરા. જનરલ લાગતું નોલેજ મુસીબતમાં સ્પેશ્યલ બને એ આનું નામ !
બાળકો બચી ગયા. લોકો રાજી થયા. કોઈ ફિલ્મ લાગે એવી ઘટના હકીકતમાં બની ગઈ ! પોષણના અભાવે હજુ એ બે સપ્તાહ હોસ્પિટલમાં રહેશે. પણ તબિયત સારી છે. ગંભીર રીતે લથડી નથી. બોલી ના શકતું સૌથી નાનું ભૂલકું પણ સચવાયું છે. મોટી બેન જાણે તરૂણાઈના પ્રવેશની નાની ઉંમરે કટોકટીમાં નાના ત્રણ ભાંડરડાની મા બની ગઈ. કે પછી મૃત માતાના આત્માએ જંગલમાં એના વ્હાલુંડાની અદ્ર્શ્ય ચોકીદારી કરી ? આપણે એ બધું કદી જાણી નહિ શકીએ.
પણ ગાઢ વિકરાળ એમેઝોનના ઝેરીલા ફળો ને સજીવસૃષ્ટિ ધરાવતા જંગલમાં કોઈની મદદ વિના આઘાતગ્રસ્ત ને શારીરિક માનસિક જખમોવાળા બાળકો 40 દિવસ સલામત ને જીવિત રહ્યા ! કહો કે મોગલીની માફક એમને જંગલે સાચવ્યા ને જંગલે ઉછેર્યા. ભૂખતરસ મિટાવી ને આરામની ગોદ આપી. પ્રાણીઓએ એમને કનડગત ના કરી. નવા નાનકડા મહેમાનોને પ્રકૃતિની ગોદમાં રમવા દીધા. અને માનવજાતને સહીસલામત પાછા સોંપ્યા ! જંગલે એ કરી બતાવ્યું કે કદાચ નગર ના કરી શકે આજના જમાનામાં.
બાળકોની પણ ઉંમર કુતૂહલની હતી, કકળાટની નહિ. એટલે પડકાર કોઈ પ્રોબ્લેમ વિના ઝીલ્યો. નાની નાની તકલીફોમાં હતાશ થનારા કે આપઘાતના વિચારે ચડી જનારાઓએ ખાસ યાદ રાખવા જેવું.
બાકી, તો જા કો રાખે સાંઇયા, માર સકે ના કોઈ... બાલ ના બાંકા કર સકે જો જગ બેરી હોઈ !
(જીવલેણ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલ બાળકો લેસ્લી જેકોબોમ્બેર મુકુટુય, 13, સોલેની જેકોબોમ્બેર મુકુટુય, 9, ટીએન રાનોક મુકુટુય, 4, અને શિશુ ક્રિસ્ટિન રાનોક મુકુટુય.