સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા જળસંચયની ઉમદા કામગીરી.

SB KHERGAM
0

બનાસકાંઠાના લાખણી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા જળસંચયની ઉમદા કામગીરી.

શિક્ષક શબ્દ જ અસાધારણ છે રાષ્ટ્ર અને સમાજના ઘડતરમાં શિક્ષકનો ફાળો સવિશેષ હોય છે. એક શિક્ષકને જ્યારે જ્યારે બાળકથી લઈને રાષ્ટ્રની ચિંતા થાય છે ત્યારે ત્યારે ૫રિવર્તન આવે છે અને ઇતિહાસ બને છે અને આવા જ એક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકને બાળકોની સાથે સાથે જગતના તાત એટલે કે ખેડૂતોની ચિંતા થઈ છે અને એ ચિંતા આજે બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં વ્યાપ વધી રહ્યો છે. 

             ડીસા તાલુકાના શેરપરા ગામના વતની અને લાખણી તાલુકાના સણીયાલીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતા અણદાભાઈ જાટના મનમાં વિચાર આવ્યો કે ૧૨૦૦ ફૂટે પાણી નથી ધીમે ધીમે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે અને આટલા ઊંડા તળ માંથી પાણી બહાર લાવવા ખેડૂતોએ ખર્ચ પણ વધારે કરવો પડે છે વળી આવુંને આવું ચાલશે કેટલા દિવસ આખરે જમીનના તળમાંથી પાણી નહિ આવે તો વરસાદનું પાણી વેડફાઈને દરિયામાં જતું રહેશે તો ખેડૂતો દુઃખી થશે અને ખેડૂત દુ:ખી થાય તો આખો સમાજ દુઃખી થઈ જાય આ વિચારે એમને કંઈક કરવા માટેની પ્રેરણા આપી. 

                     અને એમણે એમના જ ખેતરમાં કે જ્યાંથી પાણીનો વોળો પસાર થતો હતો ત્યાં આગળ ૧૧૦ ફૂટ લાંબી અને ૧૧૦ ફૂટ પોહળી ૪૩ ફૂટ ઊંડી ૭૮ હજાર લાલ ઇટોનો ઉપયોગ કરી અંદાજે ૧૫ લાખના ખર્ચે સુંદર મજાની ખેત તલાવડી બનાવી અને એ ખેત તલાવડી ચોમાસામાં ભરાઈ ગઈ. 

  

     ત્યારબાદ એ પાણીથી એમણે શિયાળુ અને ઉનાળુ સિઝન લીધી જેના કારણે અનેક ખર્ચમાં બચત થઈ પછી એમણે આ વિચાર પોતાના પૂરતો ન રાખી શાળાના સમય બાદ ગામલોકો અને અન્ય ગામના ખેડૂતો સાથે સંવાદ કરીને ખેડૂતો ખેત તલાવડી બનાવે એના માટે પ્રયત્નો શરૂ કર્યા ધીરે ધીરે એમાં સફળતા મળવા લાગી આજે બનાસકાંઠા જિલ્લામાં નાની મોટી ૫૦૦ આસપાસ ખેત તલાવડીઓના કામ થઈ ગયા છે. 

                    કેટલાકના કામ ચાલુ છે હવે તો આ અભિયાન ગુજરાતમાં તો ચાલે જ છે પણ રાજસ્થાનમાં પણ ખેડૂતોમાં જાગૃતતા આવે એના માટે  કામ કરે છે અને આ એક શિક્ષકનો વિચાર સ્વાર્થ અને પરમાર્થ બન્નેમાં ઉપયોગી સાબિત થાય છે કારણ કે પાણી બચાવવું જરૂરી છે જો પાણી નહિ બચે તો ભવિષ્યમાં મોટો ખતરો ઉભો થશે આ જળસંચયની કામગીરી નાની લાગે છે પણ વાસ્તવમાં નાની નથી ખૂબ જ મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે હવે તો સરકાર પણ ખેત તલાવડીઓ કે જળ સંચયની અન્ય કામોમાં માટે સબસીડી આપે છે પણ એકલી સરકાર કશું જ કરી ન શકે લોકોમાં જાગૃતિ આવે અને જન અભિયાન બને તો જ પરિવર્તન શક્ય છે. 

          આમ એક સરકારી શાળાના શિક્ષકનો ઉમદા વિચાર આજે ખેડૂતો અને સમાજ માટે આશીર્વાદ બની રહ્યો છે એક શિક્ષકે તૈયાર કરેલ ખેત તલાવડીની સરકારના મંત્રીઓ, ધારાસભ્ય, રાજકીય પક્ષના નેતાઓ,સામાજિક નેતાઓ સહિત અનેક લોકો મુલાકાત લઈ ચુક્યા છે અને શિક્ષકની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા પણ કરી છે. 

              હવે તો આખી જળ સંચયની ટિમ બનાવવામાં આવી છે અને એ ટિમ દ્વારા સુંદર કામગીરી કરી વધુમાં વધુ લોકો સુધી જળ સંચયની વાત આગળ વધારવામાં આવી રહી છે. 

સૌજન્ય : બી.કે. ન્યૂઝ 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top