નાંધઈ પ્રાથમિક શાળામાં શિક્ષકદિન અને મટકી ફોડની ઉત્સાહભેર ઉજવણી.
શિક્ષણ, સંસ્કાર અને પર્યાવરણ જતનનો ત્રિવેણી સંગમ
ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળા ખાતે તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવારના રોજ શિક્ષકદિન અને શ્રાવણી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો.
શિક્ષકદિન નિમિત્તે સવારે ૮:૦૦થી ૧૦:૩૦ કલાક દરમિયાન અનોખું શૈક્ષણિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક અને આચાર્યની ભૂમિકા નિભાવી શાળાનું શૈક્ષણિક કાર્ય તથા વહીવટ સંભાળ્યો હતો. બાળ-શિક્ષકોએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના સહાધ્યાયીઓને વિવિધ વિષયોનું શિક્ષણ આપ્યું હતું. ભાગ લેનાર બાળ-શિક્ષકો માટે શાળા પરિવાર દ્વારા પૌષ્ટિક નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાક બાદ શ્રાવણી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ મટકીની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોએ ભારે ઉત્સાહ સાથે મટકી ફોડી કાનુડાના પર્વની આનંદપૂર્વક ઉજવણી કરી હતી. કાર્યક્રમ બાદ તમામ બાળકોને ચોકલેટ અને પંજરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે SBI ખેરગામ દ્વારા શાળાને આશરે ૧૫ જેટલા ફળાઉ છોડના રોપા અર્પણ કરવામાં આવ્યા હતા. શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત SBI ખેરગામ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા શાળાના તમામ શિક્ષકોને ડાયરી ભેટ આપી તેમના શિક્ષણ ક્ષેત્રેના યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ શિક્ષણ, સંસ્કાર અને પર્યાવરણ જતનના ત્રિવેણી સંગમ સમાન બની રહ્યો હતો. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ, શિસ્ત અને સહકારની ભાવના વિકસે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે જ ભારતીય સંસ્કૃતિ અને તહેવારો સાથે પર્યાવરણ જતનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળા પરિવાર, વિદ્યાર્થીઓ તથા સહયોગી સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




