Kaprada |valsad: કપરાડાની સરકારી વિનયન કૉલેજમાં સેન્સિટાઈઝેશન, હર્બલ મેડિસિન અને હર્બલ પ્રોડક્ટ અંગે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

SB KHERGAM
0

  Kaprada |valsad: કપરાડાની સરકારી વિનયન કૉલેજમાં સેન્સિટાઈઝેશન, હર્બલ મેડિસિન અને હર્બલ પ્રોડક્ટ અંગે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

નવી શિક્ષણ નીતિએ ગાંધીજીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મોડિફાઈડ વર્ઝન છેઃ આચાર્ય ડો. દેવરી 

વિદ્યાર્થીઓએ SSIP 2.O અને હર્બલ મેડીસિન તેમજ હર્બલ પ્રોડક્ટસની પ્રત્યક્ષ જાણકારી મેળવી

આદિવાસી સંસ્કૃતિ અને આયુર્વેદિક ઉપચાર જેવા કે, માટીલેપ, મસાજ, સ્ટીમબાથ વિશે પણ માર્ગદર્શન અપાયુ

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૧ જુલાઈ 

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી (SSIP) સેલ, ગુજરાત નોલેજ સોસાયટી (GKS), શિક્ષણ વિભાગ, ગાંધીનગરના સૂચના તથા કપરાડા તાલુકામાં સ્થિત સરકારી વિનયન કોલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ SSIP Cell અંતર્ગત “SSIP 2.O SENSITIZATION PROGRAMME AND AWARENESS ABOUT HERBAL MEDICINE & HERBAL PRODUCTS” અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. 

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસીના કૉ-ઑર્ડીનેટર એમ.પી.પટેલે સ્ટાર્ટ-અપ શા માટે જરૂરી છે, તેનું મહત્વ સમજાવ્યું હતું. નેશનલ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ માં ઈનોવેશન પર વિશેષ ભાર મૂકી SSIP 2.O અંતર્ગત થઈ રહેલ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સમજાવ્યો હતો. વિદ્યાર્થીઓ ઈનોવેશન તરફ વળે, સમાજમાં જે વણઉકેલાયેલી સમસ્યાનું સ્ટાર્ટ-અપ દ્વારા નિરાકરણ લાવે, પોતાની અંદર રહેલી સર્જનાત્મકતાને બહાર લાવે તેમજ સ્ટાર્ટ-અપ માટે પ્રોત્સાહન મળે તે રહેલો છે. GKS ગાંધીનગર, KCG (Knowledge Consortium of Gujarat) અમદાવાદ, કપરાડાની કૉલેજ તથા સ્ટાર્ટ-અપ માટે વિદ્યાર્થીઓને જે પણ સાથ, સહકાર, માર્ગદર્શન તથા જરૂરી ગ્રાંટની આવશ્યકતા હશે તે આપવા માટે તૈયાર છે એમ જણાવી બાયફ કપરાડા પણ મદદ કરવા તૈયાર હોવાનું ઉમેર્યુ હતું.  

કોલેજના આચાર્યશ્રી ડૉ. ડી.એન.દેવરીએ સ્વાગત કરી કાર્યક્રમનો સંક્ષિપ્ત પરિચય આપ્યો. તેમણે નાગલીનું દૃષ્ટાંત આપી કહ્યું કે, નાગલીને ખેતરની જમીન પર માત્ર મુકવામાં આવે છે, પછી તે આપો આપ જમીન સાથે મૂળ પકડી લે છે. તેમ તમારે પણ સ્વયં સ્ટાર્ટ-અપના મૂળ પકડી લેવાનું છે. તેમણે કાજૂનું દૃષ્ટાંત આપી જણાવ્યું કે, કાજૂના રસમાંથી ચૂંટણીમાં વપરાતી અવિલોપ્ય શાહી બનાવી શકાય છે તેમજ હર્બલ પેંઈટ પણ બનાવી શકાય. નવી શિક્ષણ નીતિએ ગાંધીજીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મોડિફાઈડ વર્ઝન છે, તેમ પણ જણાવ્યું હતું. 

મુખ્ય મહેમાન પદેથી કપરાડા બાયફના આસિસ્ટન્ટ ચીફ પ્રોગ્રામીંગ એક્ઝિક્યુટીવ જીતિન સાઠેએ જણાવ્યું કે, આપણી આસપાસ મળતી વનસ્પતિ એ ઔષધિ છે. જેનાથી આપણે અમીર છીએ. ઔષધિ ધરાવતી આ વનસ્પતિમાં પણ સ્ટાર્ટ-અપ કરી શકાય છે. જેના જીવંત ઉદાહરણ મંજુલાબેન પટેલ અને સોનિયાભાઇ ગાયકવાડ છે. જ્યારે આપણે ત્યાં હોસ્પિટલ અસ્તિત્વમાં ન હતી ત્યારે દરેક રોગોનો ઈલાજ આયુર્વેદ આધારિત હતો. આપણે આ ઔષધિને જીવિત રાખવાનું છે. એનું જ્ઞાન નવી પેઢીને આપવાનું છે. આમાંની કેટલીક ઔષધિ આપણે આપણા ગાર્ડનમાં ઉગાડી શકતા નથી. જે કુદરતી વાતાવરણમાં જંગલમાં જ તૈયાર થાય છે, માટે જંગલોને કોઈ સળગાવે તો તેને અટકાવવાનું છે. જંગલો કપાઈ રહ્યા છે, તેનું દુ:ખ છે. કેન્સર જેવા રોગોની દવા આ પ્રકૃતિમાંથી પ્રાપ્ત થાય છે. આપણે પ્રકૃતિ સાથે જીવન પસાર કરવાનું છે, માટે પ્રકૃતિને સાચવવું એ આપણી જવાબદારી છે. 

નિલોશી ગામથી આવેલા મુખ્ય વક્તા વૈદ્ય સોનિયાભાઇ ગાયકવાડે પોતાની વનૌષધિના ઉપચારની શરૂઆત, બાયફ સંસ્થાએ કેવી મદદ કરી, પોતે માત્ર ધોરણ ચાર પાસ હોવા છતાં પિતા પાસેથી મળેલા મૌખિક જ્ઞાનના આધારે વનૌષધિ દ્વારા ઈલાજ કરે છે, તે વાત જણાવી તેમણે વિવિધ વનસ્પતિઓનો ઉપયોગ કઈ કઈ બિમારીમાં કરી શકાય તેની માહિતી આપી હતી.


કાર્યક્રમનાં રીસોર્સ પર્સન વૈદ્ય મંજુલાબેન પટેલે પોતાની વૈદ્ય તરીકેની કારકીર્દીની શરૂઆત કેવી રીતે થઈ, સ્ત્રી હોવાના કારણે જે પારીવારિક, સામાજિક સમસ્યાઓ આવી તેની માહીતિ આપી હતી. ૧૪ વર્ષ સુધી સોનિયાભાઈ સાથે સ્ત્રીઓને મસાજ કરવાનું કાર્ય કરી પછી પોતાનું સેન્ટર ઉભું કર્યું. આજે તેઓ ચાર ચાર સેન્ટરો ચલાવે છે. પોતે દિલ્હી ખાતે વૈજ્ઞાનિકોને વ્યાખ્યાન આપવા પણ ગયા છે. વિવિધ આયુર્વેદિક મેળાઓમાં જાય છે. સુરત ખાતે થયેલા છ દિવસના પ્રથમ મેળામાં ૧,૮૦,૦૦૦ રૂપિયાની કમાણી થઈ હતી. પોતાના દીકરાને બ્રેઈન હેમરેજ થયું હતું, ડૉકટરે સાત લાખ રૂપિયા ખર્ચ થશે જણાવેલ અને ઑપરેશન કર્યા પછી એ સફળ થશે કેમ એની કોઈ ગેરંટી ન હોય, તેઓ પોતાના દીકરાને ઘરે લઈ આવી માત્ર સો રૂપિયાની આયુર્વેદિક ઔષધિથી સાજા કર્યા હતા. જે દીકરો આજે પણ સ્વસ્થ અને તંદુરસ્ત છે જે દર્શાવે છે કે આપણી વનૌષધિ કેટલી સક્ષમ અને સમર્થ છે.

વકતા મંગળભાઈ ધુમએ જણાવ્યું કે, આ ધરતી પર જે કંઈ પણ વનસ્પતિ છે તે તમામ ઔષધિ છે પણ તેનો ઉપયોગ યોગ્ય માર્ગદર્શન મુજબ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, એક વૃક્ષ એવું છે જે રાત્રે પ્રકાશિત થતું દેખાય છે, તેનો સ્પર્શ કરો તો કરંટ આપે છે. એ વૃક્ષ આપણું સંજીવની વૃક્ષ છે. બાયફ કપરાડાના સિનીયર પ્રોગ્રામિંગ ઓપરેટર નવનીતભાઈ ઝેડ. ગાંવિતે મણિભાઈ દેસાઈ દ્વારા બાયફ સંસ્થાની સ્થાપના, તેનો ઉદભવ, ક્વોલિટી ઓફ લાઈફ, બાયફની સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય, ભગત અને વૈદ્ય વચ્ચેનો ફરકની ચર્ચા કરી હતી.

બાયફ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિડિયો ક્લિપ દર્શાવવામાં આવી. જેમાં આદિવાસી સંસ્કૃતિ અને આયુર્વેદિક ઉપચાર જેવા કે, માટીલેપ, મસાજ, સ્ટીમબાથ દર્શાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને અનુલક્ષી મૂકવામાં આવેલા સ્ટોલમાં વિવિધ પારંપરિક દવાઓ અને વનસ્પતિઓ મુકવામાં આવી હતી, જેનો વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ પરિચય પણ મેળવ્યો હતો. IQAC (Internal Quality Assurance Cell) કૉ-ઑર્ડીનેટર ડૉ.પી.બી.કુરકુટીયાએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તેમણે જે વનસ્પતિઓનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે તેની માહિતી આપી હતી. આ પ્રસંગે રામદાસભાઈ, બાયફ કપરાડાના સિનીયર પ્રોગ્રામિંગ ઓપરેટર નવનીતભાઈ ઝેડ. ગાંવિત અને ૧૧૯ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ SSIP 2.O અને હર્બલ મેડીસિન તેમજ હર્બલ પ્રોડક્ટસની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી. કાર્યક્રમનું સંચાલન SSIP કૉ-ઑર્ડીનેટર એમ.પી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

બોક્ષ મેટર 

કઈ વનસ્પતિ કઈ બિમારીમાં ઉપયોગી થઈ શકે?  

વૈદ્ય મંજુલાબેને પટેલે વિવિધ વનસ્પતિઓ કયા રોગમાં ઉપયોગી છે તેની વિસ્તૃત માહિતી આપી કહ્યું કે, જેમ કે, શતાવરી તાવ, કમળો, શરીરની નબળાઈ, પેટના દુ:ખાવામાં કાંચકી અને કૃમિમાં, ઉલ્ટીમાં; નાગોડ કે નીંગોડી શરીરના દુ:ખાવામાં, સ્ટીમબાથ માટે, માલિશના તેલ બનાવવામાં; કરિયાતું તાવ, સુગર, કમળા માટે, પેટના સોજા માટે; માલકાંગણીનું તેલ માલિશ, આંખ માટે તેમજ યાદશક્તિ વધારવા; હરીયા કંદ શરીરની કોઈ ગાંઠ માટે, કેન્સર માટે ઉપયોગી છે તેમ જણાવેલ. મંજુલાબેને વિદ્યાર્થીઓને ડેમો બતાવવા જે  વનસ્પતિઓ લાવ્યા હતા એ તમામ વનસ્પતિઓ કૉલેજના હર્બલ ગાર્ડન માટે આપતા ગયા હતા.

-૦૦૦-

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top