ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

SB KHERGAM
0

                      


 ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા :

(1) ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ
(2) ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ
(3) ‘સુરાષ્ટ્ર‘ : હાલના સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પીય ભાગ
ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે :
(1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર
(2) ગુજરાતનાં મેદાનો
(3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને
(4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો.

(1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર :
દરિયાકિનારો : ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવીકીચડવાળો છે. જામનગર નજીકનો પરવાળાનો પિરોટન ટાપુ પ્રખ્યાત છે. કચ્છનો 10? થી 13 કિ.મી. પહોળો પશ્ચિમ તથા દક્ષિણનો કિનારો કાદવ-કીચડવાળો છે. અહીં કેટલીક જગ્યાએ ‘લગૂન‘ની રચના થયેલી છે.
રણવિસ્તાર : કચ્છની ઉત્તરે મોટું રણ અને મધ્યમાં નાનું રણ છે, તેનું ક્ષેત્રફળ 27,200 ચોરસ કિ.મી. છે. કચ્છના મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના ઊંચ ભૂમિભાગો આવેલા છે.
(2) ગુજરાતનાં મેદાનો :
(i) ઉત્તર ગુજરાતનું મેદાન : સાબરમતી અને બનાસ નદીઓએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ‘ગોઢા‘ તરીકે ઓળખાય છે.
(ii) મધ્ય ગુજરાતનું મેદાન : આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘ચરોતર‘ તરીકે ઓળખાય છે. ચરોતરની વાયવ્યમાં અમદાવાદના મેદાનમાં થલતેજ અને જોધપુરની રેતીની બનેલી ગોળ માથાવાળી ટેકરીઓ છે.
(iii) દક્ષિણ ગુજરાતનું મેદાન : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. આ મેદાન ‘પૂરના મેદાન‘ તરીકે ઓળખાય છે.
(3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ : આ ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો બનેલો છે. આ ઉચ્ચ પ્રદેશમાં ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો વગેરે ડુંગરો છે. ઉત્તરની માંડવની ટેકરીઓ અને દક્ષિણની ગીરની ટેકરીઓ મધ્યમાં આવેલા સાંકડા, ઊંચા વિસ્તાર દ્વારા જોડાયેલી છે.?
(4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો :
(i) તળગુજરાતના ડુંગરાળ પ્રદેશો : દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ ‘જેસોરની ટેકરીઓ‘ તરીકે તેમજ ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ ‘આરાસુરની ટેકરીઓ‘ તરીકે ઓળખાય છે. મધ્ય ગુજરાતમાં પાવાગઢ અને રતનમાલની ટેકરીઓ છે. પાવાગઢ 936.2 મીટર ઊંચી છે. નર્મદાની દક્ષિણે રાજપીપળાની ટેકરીઓ છે. તાપીની દક્ષિણે સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે. ડાંગ જિલ્લાનું સાપુતારા (960 મીટર) ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે.
(ii) કચ્છનો ડુંગરાળ પ્રદેશ : કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર એમ ત્રણ હારમાળાઓ આવેલી છે. ઉત્તર ધારમાં કાળો (437.08 મીટર), ગારો, ખડિયો વગેરે ડુંગરો છે. મધ્ય ધાર લખપતથી વાગડ વચ્ચે આવેલી છે. આ હારમાળામાં ઘીણોધર (388 મીટર), ભૂજિયો, લીલિયો વગેરે ડુંગરો છે. દક્ષિણની ધાર પાંધ્રો તેમજ માતાના મઢથી શરૂ થઈ પૂર્વમાં અંજાર સુધી ફેલાયેલી છે. એમાં ઉમિયા (274 મીટર) અને ઝુરા (316 મીટર) ડુંગરો આવેલા છે. ભુજની વાયવ્યે વરાર (349 મીટર) ડુંગર છે. વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે. કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ‘કંઠીના મેદાન‘ તરીકે ઓળખાય છે.?
(iii) સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ : ઉત્તરની માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા (437 મીટર) છે. દક્ષિણની ગીરની ટેકરીઓમાં સરકલા (643 મીટર) સૌથી ઊંચી ટેકરી છે. જૂનાગઢ પાસેનો ગિરનાર (1153.2 મીટર ) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેનું શિખર ગોરખનાથ (1117 મીટર) ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પાલિતાણા નજીક શેત્રુંજો (697.5 –? મીટર), ભાવનગરની ઉત્તરમાં ખોખરા તથા તળાજાના ડુંગરો, પોરબંદર નજીક બરડો, મહુવાની ઉત્તરે લોંગડી વગેરે સૌરાષ્ટ્રના અગત્યના ડુંગરો છે. સૌરાષ્ટ્રમાં શેત્રુંજો ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top