અમલસાડની સરીખૂર્દની આર.એન.નાયક સ્કૂલમાં ‘સ્વચ્છતા એ જ સેવા' અંતર્ગત ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી.
વિદ્યાથીએ પોતાના સ્કૂલ બેગની સફાઇથી સ્વચ્છતાની શરૂઆત કરવી જોઇએઃ શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલ
સરીખૂર્દની આર.એન.નાયક અને ભારત દર્શન ઉ.મા.હાઈસ્કૂલમાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના એક દિવસ અગાઉ "સ્વચ્છતા એ જ સેવા" અંતર્ગત પહેલી ઓક્ટોબરના રોજ સવારે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી ડો.રાજેશ્રી ટંડેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે અગત્યની જાણકરી આપી હતી. મંત્રી જગદીશ ચાપાનેરીએ જિલ્લા શિક્ષણાધિકારીનું અભિવાદન કર્યું હતું.
ડો.રાજેશ્રી ટંડેલે જણાવ્યું હતુ. કે, વિદ્યાર્થીઓ દ૨૨ોજ સ્કૂલબેગનો ઉપયોગ કરે છે, સફાઈની શરૂઆત સૌપ્રથમ સ્કૂલબેગથી થવી જોઈએ. જાપાનમાં ક્યાંય તમને ડસ્ટબીન જોવા મળતા નથી. લોકો સ્વયંભૂ થેલીમાં કચરો એકત્રિત કરી તેનો નાશ કરે છે. આવી જાગૃતિ આપણામાં પણ આવવી જોઈએ. આવા ઉત્તમ ઉદાહરણ સાથે ગાંધીજીને સ્વચ્છાંજલિ પુષ્પગુચ્છથી આપવામાં આવી હતી. સ્વચ્છતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાના સેવક ભાઈઓએ સાથે મળી પ્રાંગણ, વર્ગખંડો, અગાસી સહિતની જગ્યાઓએ સફાઈ કરી "સ્વચ્છતા એ જ સેવા" અંતર્ગત શ્રમદાનને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં કાંઠા વિભાગ કેળવણી મંડળના કાર્યકારી પ્રમુખ શંકર પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કલ્પેશ સોલંકીએ સભાસંચાલન તથા દિપક કાંગવઈએ આભાર વિધિ કરી હતી.