સંબંધોની માવજત કરવી પડે, સમાધાનના કરીએ તો અંત નક્કી.
શાળા-કોલેજમાંથી રોજી-રોટી કેમ કમાવવી શીખવા મળે છે. જીવન કેમ જીવવું એની કોઈ શાળા- કોલેજ ના હોઈ શકે. ઘણી બધી વાતો એવી હોય છે કે જે વ્યકિતએ જાતે જ શીખવી પડે. અપનાવવી પડે. સારું ભણતર કે સારી નોકરી કે પુષ્કળ પૈસા એ સફ્ળતા નથી.
આપણે ક્યારેય વ્યક્તિ તરીકે કેવા છીએ તેનું મૂલ્યાંકન કરતાં નથી. આપણું મૂલ્યાંકન બીજા કરે એ તટસ્થ હોતું નથી. તેમાં કંઈક અંશે ઈર્ષ્યા રહેલી હોય છે. તેવું જ બીજી વ્યક્તિ માટેનું આપણું વલણ. ખાસ કરીને અંગત સંબંધોમાં આવી અડચણ વારંવાર આવે છે. કુટુંબ, સમાજ, મિત્રો, ઓફ્સિ વગેરે સ્થળોએ વ્યક્તિનો વ્યવહાર કેવો છે એ જોવું અગત્યનું હોય છે. કોઈ પણ વ્યક્તિએ જે તે વ્યવહાર કઈ પરિસ્થિતિમાં કર્યો હશે તે અંગે આપણે વિચારતા જ નથી. ઉદાહરણ તરીકે કોઈ એકાદ પ્રસંગે વ્યક્તિ ગેરહાજર રહી અથવા આવીને તરત નીકળી જાય તો તેને પણ આપણે મુદ્દો બનાવીએ છીએ. કેટલીક વાતો એવી હોય કે તેને ટાળવી જોઈએ અથવા અવગણવી જોઈએ.
ગીતામાં કહ્યું છે એમ કેટલીક વાર અસત્ય પણ આપદ ધર્મ જ છે. કયા સંજોગોમાં અને કોઈના શ્રેય માટે બોલાયેલું અસત્ય ઘણી બધી વાતો ગુલઝારની રચનામાં છે એમ હસીને ટાળવી જોઈએ. દરેક બાબત ગંભીરતાથી લેવાની જરૂર નથી હોતી. તેવી જ રીતે કેટલીક ગંભીર વાતો હસીને એટલે કે હળવા સ્વરે કહી દેવાની હોય છે. બધાં જ પરેશાન છે આજકાલ.
કોઈને કોઈ મુશ્કેલીથી ઘેરાયેલા હોય છે. તો કરવું શું? એ જ. અમુક બાબતો સમય પર છોડી દેવી. સમય જેવું ઓસડ કોઈ નથી. પણ આપણે એવું નથી કરતાં. વાતનો તંત છોડતાં નથી. પરિણામે જાતે પણ પીડાઈએ છીએ અને બીજાને પણ પીડા આપીએ છીએ.
ઘણી બધી વાતોમાં આપણે આપણા અભિમાનને વચ્ચે લાવીએ છીએ. પાયા વિનાની વાત હોય છે. પણ મને ના પાડી, મારી સામે બોલે છે, મારી વાત સાંભળી નહીં, મને માન ના આપ્યું, અમને ગણ્યા નહીં, અમને કહ્યું નહીં, અમને બોલાવ્યા નહી વગેરે વગેરેને મુદ્દો બનાવી સમાધાન કરાવાના બદલે સંબંધો તૂટે તેની પણ પરવા કરતાં નથી. સંબંધો ટકાવવા હોય તો ઝૂકતા પણ આવડવું જોઇએ. આપણે એટલાં અક્કડ થઈ જઈએ છીએ કે દોરી તૂટે પણ વળ ના છૂટે એવો આપણો ઘાટ હોય છે.
તમે કોની સાથે હસીમજાક કરી શકો! જે તમારા અંગત અથવા નજીકના હોય તેની સાથે, અંગત વ્યક્તિ સાથે જ રીસાઈ પણ શકો.ત્રાહિત વ્યક્તિ સમક્ષ આપણે એવું નથી કરતાં. આવી વ્યક્તિઓ સીમિત હોય. આને નિર્દોષતા કહેવાય જે બધાં સામે આવી ના શકે.
સુખદ કે દુ:ખદ પળોમાં આપણી અંગત વ્યક્તિની આંખના અશ્રુ સહજતાથી લૂંછતા પણ આવડવા જોઈએ. અને એ આંસુ પણ કોઈ નજીકનું આજુબાજુ હોય ત્યારે જ ટપકતું હોય છે. જેમ ચૂપચાપ આંખમાંથી આંસુ ટપકે છે એટલી જ શાંતિથી કોઈનાં આંસુ આપણે લૂછી શકીએ તો
આપણા સંબંધો સહજ છે તેવું ચોક્કસપણે કહી શકાય. આંસુ આવે છે કે વધુ આવ્યા કે આંસુ આવ્યા જ નહીં એ કોઈ ચર્ચાનો વિષય હોઈ શકે નહીં. એટલું જ નહીં અન્યના આંસુ લૂછવાની તત્પરતા હોવી જોઈએ.
મિત્રો અને અમુક સંબંધો એવા હોય છે કે જ્યાં માન- અપમાન જેવું કશું વચ્ચે આવવું જ ના જોઈએ. જે પણ સંબંધમાં આવો અનુભવ થાય તો એ સંબંધ પર તરત પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. કારણ કે આવા સંબંધો પરિપક્વ ગણાય નહીં. જ્યાં સ્વાર્થ આધારિત સંબંધો હોય ત્યાં આવું વિશેષ જોવા મળે છે. અપેક્ષા વિનાના સંબંધોમાં માન-અપમાનને સ્થાન નથી.
થોડા વર્ષો પહેલાં એક મિત્રે જણાવેલો કિસ્સો અહીં રજૂ કરું છું જેથી ખ્યાલ આવશે કે સંબંધો જાળવવા કેવી પરિપક્વતા દર્શાવવી પડે. મિત્રના જણાવ્યા પ્રમાણે તેના એક અંગત-ખાસ મિત્રના બનેવીનું અચાનક અવસાન થયું. બીજા મિત્રો- સંબંધીઓને જાણ કરી દેવાઈ. અંતિમસંસ્કાર પણ થઈ ગયા. બીજા દિવસે આ મિત્ર અને તેની પત્ની પહોંચ્યા. વાતો થઈ.
પેલા મિત્રે એટલું જ કહ્યું કે જણાવ્યું નહીં? ધારત તો પેલો મિત્ર આ મુદ્દે સંબંધ તોડી શક્યો હોત અથવા ઓછા કરી શક્યો હોત. પણ એવું કશું જ થયું નહીં. કુટુંબ-સમાજમાં સંબંધો તૂટવાની ઘટના વિશેષરૂપે થતી
હોય છે. સારામાઠાં પ્રસંગોએ અહમને વચ્ચે લાવી ટકરાવ ઊભો થતો હોય છે. આવે સમયે બેમાંથી એક પક્ષ ઝૂકે તો ઘીના ઠામમાં ઘી પડી રહે. પરિપક્વતા કોણ દાખવે છે તેના પર ઘણો આધાર રહેલો હોય છે. અન્ય એક મિત્રનો કિસ્સો ઉપરના કિસ્સાથી તદ્દન વિરુદ્ધ છે. એ મિત્રના જણાવ્યા પ્રમાણે લગ્ન પ્રસંગે બન્ને પક્ષના વડીલો વચ્ચે કોઈ મુદ્દે મનદુખ થયું. એમાં પાછો અહમ ભળ્યો એટલે વાત વધી ગઈ. બેમાંથી એક પણ પક્ષે સમાધાનના પ્રયાસ કર્યા નહીં. છેવટે સંબંધો તૂટી ગયા.
આજે માત્ર સારાંમાઠાં પ્રસંગે લોકલાજે હાજરી આપે છે બન્ને પક્ષો. જો કે કેટલીકવાર એવું પણ બને છે કે સંબંધો ટકાવી રાખવા હદબહારના સમાધાન કરાય છે છતાં સંબંધ ટકતો નથી. આવા સમયે કોઈ એક પક્ષે પોતાના તરફ્થી કરેલા પ્રમાણિક પ્રયાસ પછી પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. જેને આપણાં ગણતાં હોઈએ તેના દિલમાં રહેતાં આવડવું જોઈએ અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે મિત્રતા, સંબંધોને મહત્વ આપીએ અને આપણો ઈગો - અહમ બાજુએ મૂકીએ.
સંબંધોની માવજત કરવી પડે. જેમ નાના બાળકને ઉછેરીએ કે છોડ વાવીને તેને ઉછેરીએ તેવી જ રીતે સંબંધોને જાળવવા પડે. જો બાળકના ઉછેરમાં ખામી રહી જાય તો તે બગડી જાય છે. સંબંધોનું પણ એવું જ છે. હાઈવે પર જતાં હોઈએ છીએ ત્યારે સાઈન બોર્ડ જોવા મળે છે - નજર હટી, દુર્ઘટના થટી. બસ સંબંધોનું આવું જ છે. જો સમાધાન ના કરીએ તો અંત નક્કી છે.
સૌજન્ય : સંદેશ ન્યૂઝ (લેખ - અજય મો. નાયક)