આપણાં વિદ્યાર્થીઓના રોલ મોડેલ કોણ છે?

SB KHERGAM
0

 

     આપણાં વિદ્યાર્થીઓના રોલ મોડેલ કોણ છે?

            એક વર્ગમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે મોટા થઈને તમે શું બનવા માંગો છો? કોના જેવા બનવા માંગો છો? દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ જવાબો આપ્યા. કોઈએ કહ્યું કે તે શાહરુખ ખાન જેવો મોટો સ્ટાર બનવા માંગે છે તો વળી કોઈએ વિરાટ કોહલી જેવા ક્રિકેટરનું નામ આપ્યું, કોઈએ નરેન્દ્ર મોદી જેવા રાજનેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી તો કોઈએ ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર અને કોઈકે ખૂબ અમીર વ્યક્તિ બનવા માટેની ઈચ્છા જણાવી. 

            જે રીતે મકાન કે ઇમારત બનાવતા પહેલા આર્કિટેક્ટ એ મકાનની ડિઝાઇન તૈયાર કરે છે અને ત્યારબાદ એ ડિઝાઇનને ધ્યાનમાં રાખીને બાંધકામની શરૂઆત કરવામાં આવે છે. એ જ રીતે વ્યક્તિના જીવનનું ઘડતર કરવા માટે પણ વિદ્યાર્થી અવસ્થામાં જ તે પોતે પોતાના જીવનમાં કેવા ગુણોને આયાત કરવા માંગે છે, કેવી ટેવોનું નિર્માણ કરવા માંગે છે, કઈ વ્યક્તિને તે પોતાનો આદર્શ માને છે, કોના જેવા બનવાની બાળકની તીવ્ર ઈચ્છા છે, તે કોને અનુસરે છે, તે કોનું અનુકરણ કરે છે, તે કોનાથી પ્રભાવિત થાય છે, આ બધી બાબતો ખૂબ અગત્યની છે. 

જો બાળક પોતાના આદર્શ તરીકે અયોગ્ય વ્યક્તિને રાખશે તો તેનું જીવન ચોક્કસ અધોગતિની દિશામાં જવાનું. નાના બાળકોને જીવન ચરિત્રોના પુસ્તકો વાંચવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થી અવસ્થામાં મહાન પુરુષોના જીવન પ્રસંગોમાંથી બોધ લઈને વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે. 

            નાનપણમાં તદ્દન સામાન્ય વિદ્યાર્થીની જેમ ઉછરીને તથા નાની મોટી ભૂલો કરીને, સંઘર્ષમય જીવન વિતાવીને, જીવનમાં કેટલાક સિદ્ધાંતોને પકડી રાખવાથી વ્યક્તિ વખત જતા મહાનતાની ઊંચાઈ પ્રાપ્ત કરે, એ વાત બાળકોને એ દિશા તરફ જવા માટે પ્રેરે છે. સત્યવાદી હરિશ્ચંદ્રની વાત તેમના નાટક પરથી જોઈને બાળક મોહનને પ્રેરણા મળી અને તેઓએ સત્યને પોતાનો જીવન મંત્ર બનાવ્યો. વિદ્યાર્થીઓમાં આવા સદગુણોના ભંડાર સમાન વ્યક્તિ વિશેષનો પરિચય બાળકોને થવો જોઈએ.


આજે પ્રશ્ન એ થાય કે આપણા વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓના રોલ મોડલ કોણ છે? આપણા વિદ્યાર્થીઓ કઈ બાબતોમાંથી શું પ્રેરણા લઈ રહ્યા છે? કોલેજના યુવાનોની વાતને બાજુએ મૂકીએ તો પણ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય જોવા મળે છે. 

     facebook, instagram, whatsapp, સ્નેપચેટ અને એવા બીજા માધ્યમો પર પ્રોફાઈલ બનાવીને પોતાની દિનચર્યાની નાની મોટી ગતિવિધિઓ, ગાંડી ઘેલી કરતૂતો, સેલ્ફી અને વિડિયો, જોક્સ, ડાન્સ, અવનવા કપડાઓ પહેરીને કરાવવામાં ,આવતી વોક, સ્ટંટ અને એવું તો ઘણું બધું રજૂ કરીને, પોતાનું મિત્ર વર્તુળ કે ચાહક વર્ગ વધારીને વધુ લાઈકસ, શેર અને કોમેન્ટ મેળવવાની ઝંખના રાખે છે. એટલું જ નહીં પોતાના ફોલોઅર્સ વધારીને તેના માધ્યમથી કમાણી કરવાની ઘેલછા પણ રાખી રહ્યા છે. 

           તમને જાણીને નવાઈ લાગશે કે આજના વિદ્યાર્થીઓનો રોલ મોડેલ કોઈ અભિનેતા, અભિનેત્રી કે બહુરાષ્ટ્રીય કંપનીનો સીઈઓ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારા અને ગાંડા કાઢીને નવરા લોકોને જકડી રાખનારા સોશિયલ મીડિયા સ્ટાર છે, આજના બાળકોના રોલ મોડલ youtubers છે, તેમના આદર્શ ઓટીટીના બિન્દાસ કલાકારો છે, તેમના આદર્શ ઓછી કોઈ મનોરંજન ક્ષેત્રના નાચ-ગવૈયાઓ છે. 

      આજના વિદ્યાર્થીઓના મનમાં જ્ઞાનપ્રાપ્તિ કે કૌશલ્યપ્રાપ્તિ કરીને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની મહેચ્છા નથી, કોઈ ઉત્પાદક કાર્ય કરીને રાષ્ટ્રનો જીડીપી વધારવાની અને પોતાના પરિવાર માટે નીતિપૂર્વક કમાણી કરવાની નથી પરંતુ આરામથી આખો દિવસ બેસી રહીને મોબાઇલના માધ્યમથી કમાણી કરવાની છે.

આજના વિદ્યાર્થીઓને મન મનોરંજન એ એકમાત્ર જીવનનું ધ્યેય છે. મનોરંજન મેળવવું અને મનોરંજન પૂરું પાડવું, એ તેમનું લક્ષ્ય છે. આપણે ખોટા સમાજના નિર્માણ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. કેટલેક અંશે એમાં માતા-પિતા અને પરિવાર પણ જવાબદાર છે તો બીજી બાજુ શિક્ષકો પણ એટલા જ જવાબદાર છે. 

જ્યાં સુધી વિદ્યાર્થીઓને ફરજપૂર્વક કેટલાક કામો કરવા માટે જણાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ સરળતાથી ઉપલબ્ધ માર્ગને પકડી લેશે. વિદ્યાર્થીઓની કાચી ઉંમરે તેમને સાચી સમજ આપવાની ફરજ વડીલોની છે. યોગ્ય રીતે, યોગ્ય સમયે, અમુક બાબતો કે જોઈતા સાધનસગવડો પૂરા પાડવાથી કે માત્ર પ્રોત્સાહન આપવાથી વિદ્યાર્થીઓનું ઘડતર નહીં થાય. તેમને ટકોર કરવી જ પડશે, તેઓ જે કંઈ વિચારે છે, કરે છે અને વર્તે છે, તેનું મૂલ્યાંકન કરતા રહેવું જરૂરી છે. અને તેમાં ભૂલ જણાય તો વિવેકપૂર્વક અને કેટલીક વાર કઠોર શબ્દોમાં ઠપકો આપીને તેના હિત માટે તેને અટકાવવો પડશે. 

શાળા અને શિક્ષકોએ પોતાની જવાબદારી માત્ર વિષયનું જ્ઞાન આપવાની કે પરિણામ લાવી આપવાની છે, એમ માનવાને બદલે વિદ્યાર્થીઓમાં સુસંસ્કારનું સિંચન થાય એ બાબતને પણ ધ્યાને રાખવી પડશે. વિદ્યાર્થીઓના કુમળા મગજમાં સુયોગ્ય સપનાઓનું વાવેતર કરવું પડશે. તેમને રોલ મોડલ આપવા પડશે અને શિક્ષકોએ પોતે આદર્શ વર્તન કરીને તેમના રોલ મોડલ બનવું પડશે.

શિક્ષકોએ વિદ્યાર્થીઓને કહેવું પડશે કે તેઓ જે સોશિયલ મીડિયાની જિંદગી જીવી રહ્યા છે એ જિંદગી અલ્પકાલીન છે અને જીવનના ઉચ્ચ ધેયો તરફ લઈ જતી નથી. તેમને જુના ઉદાહરણો આપીને ઉપદેશાત્મક ભાષામાં વાત કરવાને બદલે તેમને સમજાવવાની નવી તરકીબો શોધવી પડશે. શિક્ષણનું મહત્વ સમજાવવા માટે તેમને પોતાનો સ્વાર્થ શામાં છે, તે પ્રતિપાદિત કરવું પડશે. 

સોશિયલ મીડિયા ખરાબ છે એમ સીધું કહી દેવાથી વિદ્યાર્થીઓ તેના તરફ વધુ આકર્ષાશે. વિદ્યાર્થીઓના ગળે પોતાની વાત ઉતારવા માટે શિક્ષકે અદ્યતન કૌશલ્ય કેળવવા પડશે, પોતાની જાતને અપડેટ કરવી પડશે. આજના વિદ્યાર્થીઓના રોલ મોડલ તેમને ખોટી દિશામાં લઈ જનારા અને ટોળાશાહીને પ્રેરનારા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને યોગ્ય રોલ મોડલ આપવાનો પ્રોજેક્ટ પણ હાથ ધરી શકાય મહાપુરુષોના જીવનપ્રસંગોને નવીન રીતે રજૂ કરીને તેમને વિદ્યાર્થીઓના રોલ મોડલ સ્વરૂપે રજુ કરી શકાય. 

વિદ્યાર્થીઓને વાર્તા કે બીજા માધ્યમ દ્વારા આદર્શ જીવન અને ગુણવત્તાયુક્ત વિચારધારાનું મહત્વ સમજાવવું પડશે, ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. નવો જમાનો, નવા વિચારો, નવી પદ્ધતિઓ અને નવી યુક્તિઓની માંગ કરે છે. આજનો વાલીઓ અને શિક્ષકો એ માટે સજ્જ છે ખરા!!!!

કી-પોઈન્ટ

દરેક વ્યક્તિમાં રહેલું પરિવર્તન માટેની દ્વાર અંદરથી જ ખુલે છે. વિધાર્થીને બદલવા માટે શિક્ષકે પોતાના વિધાર્થીઓના હૃદય સુધી પહોંચવું પડશે.

આ લેખમાં જણાવેલ વિચારો લેખકના પોતાના છે.

સ્રોત : ગુજરાત ગાર્ડિયન (લેખક :શિક્ષણચર્યા, અશ્વિન પટેલ)


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top